ઝીરો મોટીવેશન x પ્રેક્ટિકલ અપ્રોચ
તમે જીવનમાં બધી જ જંગ નહીં જીતી શકો. સમજી વિચારીને પસંદગી
કરો તમે શેના માટે લડવા માંગો છો.
નવું વર્ષ નવા રેસોલ્યુશન, નવા ઉત્સાહ-પ્રેરણા
સાથે આવ્યું. લોકોએ નવા વર્ષના કર્તવ્યો બનાવ્યા. કેટલાક રેસોલ્યુશન બીજી તારીખે
તૂટી ગયા તો કેટલાક ત્રીજીએ. પ્રશ્ન એ છે કે આપણે કેમ રેસોલ્યુશન બનાવા પડે છે? તમે કેવા અપ્રોચથી લાઈફ જીવી રહ્યા છો? કેમ એક નવું
વર્ષ જોઈએ છે કશુક શરૂ કરવા. હું તમને કોઈ પ્રેરણા આપવા નથી આવ્યો કે રેસોલ્યુશન
નહીં બનાવાનું પણ નથી સૂચવી રહ્યો. આગળ લેખ તમને અનકમ્ફર્ટેબલ લાગી શકે છે. એની
તૈયારી કરવા ઉપર પ્રશ્નો મૂક્યા. ભારતમાં સફળ અને સમૃદ્ધ જીવન જીવવું બહુ અઘરું
છે. જો તમારી પાસે બાપ-દાદાની કે ઘરવાળા/વાળીની મિલકત ન હોય તો શક્યતા છે તમે
અરધું જીવન મીડિયોકર અને ગરીબાઈમાં નિકાળશો અને જો જવાનીમાં કરિયર સેટ ના થયું અને
કપાતર ઓલાદ અવતરી તો શક્યતા છે ઘડપણ પણ ગરીબાઈમાં જઈ શકે.
નથી મળતું ભણવાનું મોટીવેશન, નથી રસ પ્રાઈવેટ
નોકરીમાં અને ગમતી કન્યા પણ લગ્ન નથી કરવાની તમારી સાથે. માનો ગમતી કન્યા સાથે
લગ્ન થઈ પણ ગયા પછી શું? કયા ઘરમાં રાખશો? 2BHK? 3BHK? એક સમય બાદ એ પણ
ઓછું પડશે. નથી જીવાતું યાર મીડિયોકાર જિંદગી. વર્ષમાં એકવાર પ્રવાસ જવા માટે આખું
વર્ષ ઓફિસમાં ઘસાવી પડે છે અને તે એકવારનો પ્રવાસ પણ રાષ્ટ્રની અંદરનો જ.
આંતરરાષ્ટ્રીય નહીં. પતિ, પત્ની, બાળકો
સાથે યુરોપ ટૂર કે ઇન્ટરનેશનલ પ્રવાસ ના ગોઠવી શકાય બરડો સીધો થઈ જાય નહીંતર. હું
ના નથી પાડતો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ગોઠવી શકાય, જઈ
પણ શકાય. જો, તમારી(+તમારા પાર્ટનરની કુલ મળીને) મહિનાની આવક
૨,૦૦,૦૦૦ જેટલી હોય તો. છે? નથી? સારું કશો વાંધો નહીં.
દોસ્તો, દેશમાં મંદી છે અને મોંઘવારી ઘણી છે. દરેક
રાજ્યમાં ચાર-પાંચ શહેર સિવાય ક્યાંય સરખું ડેવલપમેન્ટ નથી અને ઉપર લખ્યું એમ સરકારી
અધિકારીઓને પણ ઇન્ટરનેશનલ પ્રવાસ પર જવું હોય છે, વિલા ટાઈપ
ઘરમાં રહેવું છે. તો તમારી સહુલિયત માટે બિનજરૂરી ડેવલપમેન્ટ થાય એ હમણાં શક્ય નથી, એના માટે ઘણી રાહ જોવી પડશે.
નંબર વન ઇન ધી વર્લ્ડ: કેટલાક ડાબેરી અને રેશનલિસ્ટ મનુષ્યો
અનુસાર દેશની આ સ્થિતિ માટે ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ જવાબદાર છે. જે કેટલાક અંશે સાચું
છે પણ સંપૂર્ણ રીતે નહીં. એશિયામાં પ્રથમ અને વિશ્વમાં બીજો ક્રમાંક ધરાવતા અમિર
માણસ ગૌતમ અદાણીનો “આપ કી અદાલત” શોમાં ઇન્ટરવ્યુ થયો. મેં ઇન્ટરવ્યુની હાઇલાઇટમાં
જોયું રિપોર્ટર અદાણીભાઈને તેમની સફળતાનું રહસ્ય પૂછે છે,
રાજકીય પાર્ટીનો ટેકો અથવા આક્ષેપ કેવો છે? એના પર પ્રશ્નો
કરે છે. મને ગૌતમ અદાણીના જવાબમાં જરાય ફેકનેસ ના લાગી કે ના એવું લાગ્યું કે આ
જવાબ બનાવટી છે. એ વ્યક્તિની બોડી લેન્ગ્વેજ કહી રહી હતી
તેનામાં કઈક ખૂબી છે. પ્રિડિક્ટેબલ સવાલોના અનપ્રિડિક્ટેબલ જવાબ ગૌતમ અદાણી આપી
રહ્યા હતા. ‘ને વિચારવા જેવી બાબત છે ૧.૪ અબજની આબાદીમાંથી
એક મધ્યમ વર્ગીય કુટુંબનો માણસ વિશ્વમાં બીજા ક્રમે પહોંચ્યો છે તો એનામાં કઈક ટેલેન્ટ
હશે ને?
ચોરી કરીને, સ્કેમ કરીને તમે જિંદગી જીવાય એટલા પૈસા
કમાય શકો, (જે મોટાભાગના ધારાસભ્યો કરે છે) પણ ટોપ પર માણસને
એની મતિ જ ટકાવી શકે. જરૂરી નથી અદાણી ટોપ પર જ રહે, નીચે પણ
પડી શકે અને એના નીચે પડતાં જ દુનિયા આપણાં દેશની અર્થવ્યવસ્થા અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને શ્રીલંકા સાથે સરખાવા લાગશે પણ ચિંતા કરવાની જરૂર નથી.
ગૌતમ અદાણીએ નેશનલ ટીવી ચેનલ પર કહ્યું છે કે જેટલી તેમણે લોન લીધી છે એનાથી ત્રણ
ગણી એમની ઈન્વેસ્ટમેન્ટ છે. તો આ વાત પર ઉત્સવ પણ ન મનાવાય અને બહુ ગમ પણ ના કરાય.
હું જમણેરી સરકારના સપોર્ટ કે વિરોધમાં નથી. એક રેશનલિસ્ટની દ્રષ્ટિએ જણાવી રહ્યો
છું. ડાબેરીઓને જો હું ચાટુકર લાગુ તો તેમણે થોડા તટસ્થતાના માપદંડ પર આવી
મૂલ્યાંકન કરવાની જરૂર છે. આ વાત અધવચ્ચે એટલે લખું છું કારણ અન્ય ઉદાહરણ પણ જમણેરી
સરકારને ગમતા સેલિબ્રિટીનું આવવાનું છે.
ક્વિન કંગના: કંગના રનૌત ભાજપને સપોર્ટ કરવા બદલ ઘણી ટ્રોલ થઈ
અને તે એવી ટ્રોલ થઈ કે તેની સારી ફિલ્મો પણ ફ્લોપ નીવડી. મોટાભાગે અભિનેતાઓ-અભિનેત્રીઓ
સામાજિક અને રાજકીય મુદ્દાઓ પર લગભગ મૌન રહે છે. કેમ કંગનાએ ભાજપને સપોર્ટ કરવું
જરૂરી ગણ્યું? એક-બે બાબતો સમજીએ. કંગનાનું પોલિટિકલ વલણ પબ્લિકમાં આવ્યું એ
પહેલાનું વર્તન જુવો. તેણે સ્વ.સુસાંતસિંહ રાજપૂતના આપઘાત સામે અવાજ ઉઠાવ્યો.
નેપોટીઝમને છાવરતા દિગ્દર્શક-નિર્માતાઓની પોલ ખોલી. હવામાં નહીં પણ નામ દઈને
આક્ષેપ મૂક્યા. તેણીએ પોતાની જ ઈન્ડસ્ટ્રીના નામી લોકો સાથે દુશ્મની ઊભી કરી, અરધી બૉલીવુડ ઈન્ડસ્ટ્રીએ કંગનાના નામ પર ચોકડી મારી, તેની સાથે ખ્યાતનામ ઘણા લોકો કામ કરવા નથી માંગતા. છેલ્લા છ વર્ષમાં કંગનાએ
એક પણ હિટ ફિલ્મ ન આપી હોવા છતાં, બૉલીવુડના અરધા કલાકારો
કંગના સાથે કામ કરવા માંગે છે. કંગનામાં શું એવું છે?
વિચારવા જેવી બાબત છે.
કેવી પુરુષપ્રધાન માનસિકતા તેના કરિયર પર અસર કરી રહી છે. દેશ
અને દુનિયાની મોટાભાગની ફિલ્મોમાં સ્ત્રીઓનું પાત્ર પુરુષ ભૂમિકા ભજવતા રોલને
સપોર્ટિંગ રોલમાં અદા કરતું જોવા મળે છે. ફેમિનીઝમનો પ્રચાર કરતાં લોકો કેમ
કંગનાના સપોર્ટમાં નથી આવતા? હિન્દી ફિલ્મોમાં કંગના પહેલી એવી
અભિનેત્રી છે, જે હીરોના સપોર્ટિંગ કેરેકટરમાં ન રહીને મુખ્ય
પાત્ર ભજવે છે. કેટલી ફિલ્મો એવી એણે આપી છે: રજ્જો, મનીકર્ણિકા, ધાકડ, ક્વિન, થલઇવી. આ બધી ફિલ્મોમાં તે મુખ્ય પાત્ર છે અને દરેક
ફિલ્મ ફ્લોપ નીવડી. દેશની જનતા શું સૂચવી રહી છે? મેલ લીડ એક્ટર
સિવાય ફિલ્મ સફળ ના નીવડે? કહાની જેવી એકાદ ફિમેલ લીડ વાળી ફિલ્મ
હિટ ગઈ હશે. બાકી, કોમર્શિયલ ફિલ્મોમાં સ્ત્રી નાયિકા આ દેશને
સ્વીકાર્ય નથી. ક્યાં છે નારિવાદી લોકો જે કંગનાના સમર્થનમાં નથી આવી શકતા? શું રોકે છે તમને? રાજનેતાઓનો ડર કે લોકો નો ડર? ક્યાંક લોકો તમને અંધભક્ત કે જમણેરી સરકારના ચાટુ ના કહી દે. મારે જાણવું
છે. જોવો મેં તટસ્થ વાત મૂકી આ જોખમ લીધું છે, શું નારિવાદીઓ
આ જોખમ ઉપાડવા તૈયાર છે?
તમે કંગના રનૌતની ફિલ્મોની પેટર્ન જુવો. ૨૦૧૩ પછી તેણે ખૂબ
ઓછી ફિલ્મોમાં સપોર્ટિંગ કેરેક્ટરની ભૂમિકા ભજવી છે. આજે દસ વર્ષે પણ તે હિન્દી
ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઊભી છે. આ કઈ કોમન વાત નથી. સળંગ ૬ ફ્લોપ ફિલ્મો આપ્યા બાદ પણ
તે આજે ચર્ચાનો વિષય છે. તેનું એક ટ્વિટ એક્સ્લુસિવ ન્યૂઝ બની જાય છે. તમે પ્રયત્ન
કરી જુઓ દસ વર્ષ સુધી એક જ ઈન્ડસ્ટ્રીમાં ફ્લોપ રહીને. શક્યતા છે તમારા ઘરના પણ
તમને માન નહીં આપે. સહન કરી લેશે, જેમ દેશ કંગનાને કરી રહ્યો છે. તે પોતાની ઇન્ડ્સ્ટ્રીના
લોકોને છતા કરે છે. તેના આ એક નિર્ણયની અસર જોઈ શકાય છે. આજે આખું બૉલીવુડ લગભગ
ફ્લોપ થઈ ગયું છે. ઊલટાનું આનો ફાયદો સાઉથ ઇંડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીને થઈ રહ્યો છે.
ત્યાંના અભિનેતા-અભિનેત્રીઓની લોકપ્રિયતા વધી રહી છે. ભારતની(દક્ષિણ સિવાયની)
બિચારી ભોળી જનતા વાકેફ નથી સાઉથ ઈન્ડસ્ટ્રીથી. સાઉથમાં પણ ગજબ ફેમિલી નેપોટીઝમ ચાલે
છે. ઉપરાંત સાઉથ સિવાય આખા દેશમાં લગભગ બધા નાગરિકોને ભારતીય તરીકે ઓળખાવું ગમશે
પણ દક્ષિણ ભારતનો એક મોટો વર્ગ પોતાને પોતાના પ્રદેશથી ઓળખાવામાં ગર્વ અનુભવે છે.
ભારતની કોમન લેન્ગ્વેજ હિન્દી તેઓ શીખવા નથી માંગતા. તેઓ પોતાને “તામિલયન”, “કેરેલાઇટ” કે “સાઉથ ઇંડિયન” તરીકે ઓળખાવાનો આગ્રહ રાખે છે નહીં કે એક
ભારતીય તરીકે. તો એ પ્રદેશની ફિલ્મોને માથે ચડાવતી જનતા એવા “સાઉથ ઇંડિયન” લોકોનો
ઇગો પોષી રહી છે, જેમને ભારતીય તરીકે નથી ઓળખાવું.
આવામાં કંગનાનો નિર્ણય પ્રેક્ટિકલી વિચારીને લીધેલો નિર્ણય
છે. સરકારનો સાથ હોય પછી શું નડવાનું? કેવી રોચક બાબત છે ફિલ્મો ફ્લોપ થઈને પણ
પદ્મશ્રી પુરસ્કાર મેળવી શકાય છે. કંગના રાજનેતાઓને છતા નહીં કરે. ના થાય એમ.
માણસે ક્યાંકથી તો સપોર્ટ લેવો કે નહીં? તમે જીવનમાં બધી જ
જંગ નહીં જીતી શકો. સમજી વિચારીને પસંદગી કરો તમે શેના માટે લડવા માંગો છો. કંગનાને
એક સેલિબ્રિટિના દ્રષ્ટિકોણથી નહીં પણ એક કોમનમેનની નજરે જોવાનો પ્રયત્ન કરો. જો
ભાજપને સપોર્ટ કરવાથી કંગનાનું ગુજરાન ચાલતું હોય તો એમાં કઈ ખોટું નથી. એની
જગ્યાએ તમે હોત તો કદાચ તમે પણ એમ જ કર્યું હોત. જ્યારે વાત આપણાં અસ્તિત્વને અને
પરિવારને ટકાવી રાખવાની, ગુજરાન ચલાવાની આવે ત્યારે મૂલ્યો
અને સિદ્ધાંતો બાજુમાં રાખવા પડે છે. જો પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા જમણેરી
બનવું પડે તો હું કમને એ માર્ગ ટેમ્પરરી પસંદ કરીશ કારણ વાત ઘર ચલાવાની છે.
આખી જિંદગી પાંચથી છ નોકરી કરીને દુનિયા નહીં ફરી શકાય.
ત્રણ, છ, બાર મહિને ઈચ્છા પડે ત્યાં પ્રવાસ નહીં ગોઠવી શકાય.
આ આર્થિક અને સામાજિક સ્થિતિમાં મનગમતી છોકરી સાથે લગ્ન નહીં કરી શકાય. તો આ બધા જ
ભૌતિક સુખ મેળવવા રસ્તો શોધવો રહ્યો.
આ દેશના ૧૪૨ કરોડ લોકોમાંથી ૧૦૦ કરોડ મધ્યમ વર્ગીય અથવા ઓછા
મધ્યમવર્ગીય ગરીબ છે, ક્યારેક આ ગરીબાઈનો ત્રાસ થાય છે, સરકારે અપોઈંટ કરેલા ડાયરાબાઝ, લેખકો/મોટીવેશનલ
સ્પીકર્સ અને કથાકારો પોતાની કળા સાથે બેઈમાની કરી રાજનૈતિક દળોનો પ્રચાર કરે છે. બદલામાં
આ એજન્ટ્સને દેશ-વિદેશ ફરવા મળે, એરોપ્લેનમાં ડાયરા કરવા મળે, મોટા સેમિનાર, સાહિત્યિક ફેસ્ટિવલમાં અતિથિ તરીકે
જ્ઞાન ઠોકવા બોલાવમાં આવે. જેમાં જ્ઞાનના નામે પોલિટિકલ પ્રચાર અને અવળા માર્ગે
દોરતી વાતો કહેવામાં આવતી હોય છે. આ કલાકારો એમના જેવા જ કરપ્ટ-દંભી રાજનેતાઓને
વોટ આપવા સૂચવે છે. જનતાને ખોટી દિશા સૂચવે છે. પારૂલ ખખ્ખરે સરકારની બેદરકારી
સામે એક કાવ્ય લખ્યું એમાં તો અપોઈન્ટેડ એજન્ટ્સ આવી ગયા સિસ્ટમનો બચાવ કરવા અને
તેઓ સફળ પણ નીવડ્યા. આજે પારૂલ ખખ્ખર વિષે કોને રસ છે? કોઈ
કોલેજ ફંક્શન, સાહિત્ય પરિષદમાં એમને નથી બોલાવામાં આવતા. આ
ફળ મળે સરકાર સામે અવાજ ઉઠાવાનું. મને પારૂલ ખખ્ખર જેવા લોકો માટે વિશેષ માન છે, જે પોતાનું વિચાર્યા વગર યોગ્ય અને સત્ય બાબતને વળગી રહે છે. અફસોસ, આવા લોકો ગુજરાતમાં ઓછા છે. તેઓને દબાવી દેવામાં આવે છે. પારૂલ ખખ્ખરે
લખેલી કવિતા માટે એમને સલામ.
આવી અઢળક સામાજિક સમસ્યાઓ અને પ્રશ્નો વચ્ચે એક માણસ બધે ના
લડી શકે, બધે લડવા જાવ તો ગાંધીજી થઈ જવાય. ધોતી સિવાય કઈ ના બચે. જોવો
છો ને આ દેશમાં ગાંધીજીની હાલત? મરતા પહેલા “હે રામ”
બોલવાવાળા ભલા માણસને સમજ્યા વગર આજના યુવાનો બેફામ ગાળો દે છે. તમે બધી બાજુએ લડીને
ગાંધીજી જેવી સિદ્ધિ હાંસલ નહીં કરી શકો. (ગાંધીજી પણ બધી લડાઈ ન હતા રોકી શક્યા, બંગાળમાં ભાગલા રોકવા જતાં ભારત-પાકિસ્તાનના ભાગલા પડી ગયા. માટે ફરી
કહું છું બધે નહીં લડી શકાય.) ‘ને આ વાત સૌ અગ્રી કરશે કોઈને
ગાંધીજી જેવું મહાન અને આદર્શવાદી નથી બનવું, અત્યારે એમની
હાલત જોયા પછી તો નહીં જ બનવું હોય.
મોટાભાગના લોકોને જીવનમાં ત્રણ વસ્તુ જોઈએ છે: ખાવું,
પીવું અને ચાર બેડરૂમવાળું મકાન. આ માનવ સહજ વૃત્તિ છે,
જેમાં કઈ ખોટું પણ નથી. રોજ સવારે આ ભૌતિક વૃત્તિઓને મેળવવા સૌ કોઈ થેલો લઈ ઓફિસ/નિશાળે/કામના
સ્થળે પહોંચી જાય છે અને ક્યારેક આ અનંત ચક્રમાં ફરતા-ફરતા નિરાશા અને નિરર્થકતા
લાગી આવે છે. સમય જતો રહે છે. નિરધારેલ સમયમાં જે વસ્તુ મેળવવી હોય એ ના મળે ત્યારે
કરિયરમાં ગેપ પડી જાય. જે નિષેધક બાબત છે. લાયકાત હોવા છતાં,
જોઈતું પરિણામ નથી મળતું. મેં મારા જીવનની એક સારી તક આ કારણે ગુમાવી. આઇ.ટી.આઇ.માં
હેલ્થ સેનેટરી ઈન્સ્પેકટર(H.S.I.)નો કોર્સ છે. આ કોર્સ કર્યા
બાદ જો મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં પસંદગી થાય તો પહેલા પાંચ વર્ષ ૩૬,૦૦૦ પગાર મળે. પ્રવેશ શરૂ થતાં મેં અને મારા મિત્રએ ફોર્મ ભર્યું, મેરીટ આવ્યું. અમારું મેરીટમાં નામ ન આવ્યું. જ્યારે અમે બંને વધારે
પડતાં ક્વોલિફાય થતાં હતા. પોસ્ટ ગ્રેજ્યુએશન, ઇંગ્લિશ
સ્પીકિંગ. જે આઇ.ટી.આઇ.ના વિદ્યાર્થી માટે ઘણું ઉપર કહેવાય
પણ કોર્સમાં નક્કી કરેલ સંખ્યા જ લેવાની હતી, જે ભરાઈ ગઈ
હતી. મિત્રના પપ્પાએ કઈક કોંટેક્ટ લગાવ્યા અને મારા મિત્રને એડમિશન મળી ગયું. હું
રહી ગયો. હવે, મારે આમાં કોને દોષ આપવો? સરકારને? આઇ.ટી.આઇ.ના અધિકારીને? કાસ્ટ કેટેગરી ઊભી કરનાર બાબા સાહેબ આંબેડકરને? કે
મારા દોસ્તના પપ્પાને? (જે ભાજપમાં સક્રિય હતા.) કોઈ આશ દેખાતી
નથી સ્ટાન્ડર્ડ લાઇફસ્ટાઇલ જીવવાની.
માનો H.S.I. તરીકે મ્યુનિસિપાલિટી કોર્પોરેશનમાં
નોકરી મળી ગઈ. પછી લોકવાયકા એવી છે H.S.I. તરીકે નિમણૂક કરાવા
બદલ મીઠાઇ ખવડાવી પડે છે અને તે મીઠાઇ ઘણી મોંઘી આવે છે. કદાચ દસ બાર લાખની. એક
મધ્યમ વર્ગીય યુવક કેવી રીતે મીઠાઇ ખરીદે? અને ખવડાવે? H.S.I.નું કામ જે-તે શહેરની દરેક દુકાન બ્હાર(રસ્તા
પર) ચોકસાઇ જળવાઈ રહે, ગેરકાનૂની અને પ્રતિબંધિત વસ્તુઓનું
વેચાણ અને ઉપયોગ ના થાય એનું ધ્યાન રાખવાનું છે, અન્ય સત્તર
બાબતો H.S.I.ની અંડરમાં આવે. પ્લાસ્ટિકની કોથળીઓના વપરાશ પર
પ્રતિબંધ છે. માર્કેટમાં રેંકડી-લારીઓવાળાથી લઈને સ્ટોર-મોલમાં બધે પ્લાસ્ટિકની
કોથળીઓ ઉપયોગમાં લેવાય છે. આના પર પાંચ હજારથી પચ્ચીસ હજારનો દંડ છે. દુકાનનું
લાઇસન્સ કેન્સલ થઈ શકે છે. પણ શું આ દંડ લોકોને પ્લાસ્ટિકનો ઉપયોગ કરતાં રોકી
શક્યો? નાના લેવલથી છેક ઉપરના લેવલ સુધી લાંચ લેવાની સિસ્ટમ છે.
મારે આ લાંચખોરીનો ભાગ નથી બનવું. ઘણા H.S.I. સારું કામ કરે
છે. જેઓ રૂસ્વત નહીં લેતા હોય. તેઓ કેમ ચૂપ છે? કદાચ પોતાની
નોકરી બચાવા મૂંગા રહેતા હશે. બાકી, અમદાવાદ જેવા શહેરમાં
વિકસિત વિસ્તાર સિવાય બધે હેલ્થ અને હાઇજિન બાબતો પર સરખું કામ નથી થતું. તો જો H.S.I. બન્યો હોત તો પણ આ દેશમાં નિરાંતે જીવી ના શકાયું હોત, મૂલ્યો સાથે બાંધછોડ ના કરી શકાય. સિસ્ટમને(લાંચ) ના સ્વીકારું તો નોકરી પર
જોખમ આવી જાય. માનસિક સ્વાસ્થ્ય ખોરવાય તે અલગ. કેટલું અઘરું છે સરળતાથી જીવવું.
કામ-ધંધો છોડીને સરકારી પરીક્ષાઓની તૈયારીમાં લાગવું એ
ઝાંઝવાના પાણીની ઉમ્મીદ રાખવા જેવી બાબત છે. સરકારી પરીક્ષા કદાચ માન્ય ગણવામાં
આવે અને ના પણ આવે. જો માન્ય ગણવામાં આવી તો તેનું પરિણામ પાંચ વર્ષે, છ
વર્ષે પણ આવે. ઘરમાં યુવક એક જ કમાનાર વ્યક્તિ હોય તો શું તે જોબ છોડી સરકારી
પરિક્ષાની તૈયારીમાં લાગી શકે? કહેવું સરળ છે નોકરી કરતાં
કરતાં તૈયારી થાય, લોકો કરે પણ છે. સ્નાતક થયા બાદ ૨૧-૨૨
વર્ષની ઉંમરે પ્રાઈવેટ જોબ શરૂ કરતાં સાથે સરકારી પરિક્ષાની તૈયારી કરતાં જાય. દસ
કલાકની નોકરી, રોજ ચાર/છ કલાક ભણવાનું. જીવનના પાંચ વર્ષ
ગાયબ. છવ્વીસ-સત્તાવીસ વર્ષે સરકારી નોકરી. બે વર્ષમાં લગ્ન. ના કોઈ બેસ્ટ ફ્રેન્ડ
બન્યા, ના સિંગલ લાઈફમાં કશું થ્રીલ કરી શકાયું. બધુ થ્રીલ
હનીમૂન કરવા જાવ ત્યારે સાંભરે. કદાચ મિત્રો સાથે ફરવાનો વધુ આનંદ આવ્યો હોત. હવે, પોતાની આઈડેન્ટિટી શું રહી? હું કોણ છું? પહેલા મા-બાપ હતા, હવે પત્ની-બાળકોને સમર્પિત થવાનું.
તમારી આત્માની છાપ શું? જાતને ઓળખી શકાયું? આ વિચાર હનીમૂન પર હોવ ત્યારે ન આવે. લગ્નના દસેક વર્ષ બાદ ખ્યાલ આવે.
અંગ્રેજીમાં શબ્દ છે: મિડ લાઈફ ક્રાઈસિસ. આ પીડાનું એક કારણ જૂની યાદો અને ચૂકેલી
તકો છે. કશુક ન કરી શકવાનો અફસોસ. જવાનીમાં કરિયર બનાવાની દૌડમાં લાગી જવાથી લાઈફ
સેટ થઈ જાય છે, માઇન્ડ સેટ નથી થતું. ચાલીસીમાં પ્રવેશ્યા
બાદ નિરર્થકતા અને એકલાપણાનો અહેસાસ થવા લાગે છે. જીવનનો મોટિવ શું રહ્યો? જેવા પ્રશ્નો મનમાં આવે. તો જવાનીમાં કયો પ્રેક્ટિકલ અપ્રોચ
અપનાવવો?
હું બધે ના લડી શકું. મારે અન્ય માર્ગ શોધવો જ રહ્યો. આવામાં
પ્રેક્ટિકલ અપ્રોચ સૂચવે છે સરકારની ટિપ્પણી છોડી, “અપોઈંટેડ લેખક” બની
જાવ. ક્રિયાત્મક અને કુશળ રહી શકશો પણ આ ઝમીર એમ માનવા ક્યાં
તૈયાર છે. અપોઈંટેડ કથાકારો, ડાયરાબાઝો, મોટીવેશનલ સ્પીકર્સ અને લેખકો ઓછી મહેનત કરી ભૌતિક સવલતો અને પ્રસિદ્ધિ
મેળવી રહ્યા છે. તેમનો ઇડ(પ્રાથમિકતા) અને ઇગો પોષાય રહ્યો છે. આ ઇડના વ્યસને પૈસાદાર(કલાકાર)
લોકોને ગરીબો-કોમનમેન પ્રત્યે ભાવસૂન્ય કરી મૂક્યા છે. સરકારની સામે પડતાં લેખકોને
માર્કેટમાંથી બોયકોટ કરી દેવામાં આવે છે. ખ્યાતનામ વ્યક્તિઓ અને મિત્રના પપ્પા
જેવા અસંખ્ય લોકો જેઓ ઓળખાણ લગાવી સરકારી કામ નિકાળી લે છે. તેવો દેશનો એક મોટો
વર્ગ અંગત લાભને ધ્યાનમાં રાખી સરકારના પક્ષે છે. પણ આ એક નામ “કિર્તિદેવ” ક્યારેય
તેમાં નહીં ઉમેરાય. આવા વિચાર સાથે સમૃદ્ધ થવું અઘરું છે. જવાનીમાં સફળ થવાની આશા
દેખાતી નથી. આમતેમ હાથ-પગ મારી, નોકરીમાં ધ્યાન વધારીને પણ
લાગતું નથી ઝટપટ સમૃદ્ધ થવાય. આ કારણે મોટીવેશન ઝીરો છે.
–કિર્તિદેવ.

Comments
Post a Comment